Tuesday 21 July 2015

ગઝલ શું છે??

દિન-રાત ગાંડાઓ જે કરે છે એ કામ છે ગઝલ,
દરેક શાણા પાસે, જો ને બદનામ છે ગઝલ...

સિકંદર છો ને સરતાજ થયો આ જગતનો,
આ તો નવરાશની પેદાશનું નામ છે ગઝલ...

વાચકો વાહ-વાહ કરતા અને હલાલો હાય-હાય,
ભાગ્યમાં છે પ્રેમ, નહીતો મારે'ય હરામ છે ગઝલ...

દિવસભર કા-કા-કા-કા બોલતા કાગડા કાળા,
કલબલ જે ટાણે થાય, એ શામ છે ગઝલ...

સદીઓથી સળવળે જીભ છો ને કહી કહી,
આંખનાં ઈશારે પહોંચે એ પૈગામ છે ગઝલ...

સાત સમંદર પી જાઉં તો પણ વ્યર્થ છે,
ઘૂંટભરથી જેને સાકી દેખાય એ જામ છે ગઝલ...

આઠેય પ્હોર ગુણગાન ગાતી મેહફીલ,
આજે એ જ હોઠો પરથી 'ગુમનામ' છે ગઝલ...
                                           -ચેતન સોલંકી 'ગુમનામ'

Monday 20 July 2015

તારો સાથ...

તું જે દિવસે મને કળી જઈશ,
એ દિવસે હું તને મળી જઈશ...

આવ તું કો'ક 'દી મારી ગલી,
પછી જો હું તારી ગલી હળી જઈશ...

તું એક તણખલો દઈ જો મને,
પછી જો, હું કેવો ઝળહળી જઈશ...

હું તો છું જ 'ગુમનામ' પહેલેથી,
તું સાથ છોડીશ, તો હું રઝળી જઈશ...

                                   - ચેતન સોલંકી 'ગુમનામ'

ગર્જના...

હું એક સિંહ છું, અને ગઝલ મારી ગર્જના છે,
આ કોઈ લખાણ નથી, પણ મારી સંવેદના છે...

મારા શબ્દોને ભાગ્યે જ કોઈ શ્વસી શકશે,
વાહ-વાહ અને ભાઈ-ભાઈ તો માત્ર બહાના છે...

જે લોકો અત્યારે મને શબ્દોથી રોકે છે, ભલે,
મારા જ શબ્દોને એક'દી એ સલામ ઠોકવાના છે...

મારી ગઝલોને વાંચીને સૌ ચેહરો હસમુખો કરી લો,
પછી તો હું 'ગુમનામ' અને એ બધા રડવાના છે...

                                                       - ચેતન સોલંકી 'ગુમનામ'


ફક્ત યાદો...

જીવનનાં ખાલીપામાં તું નથી, છે ફક્ત યાદો,
ન તારો પાલવ, ન તારો ખોળો, ફક્ત યાદો...

તારા આલિંગનથી શાંત મારું મન થાતું,
રડવા માટે નથી કોઈ ખભો, ફક્ત યાદો...

તને કેન્દ્રમાં રાખીને લખેલી ગઝલો-કાવ્યો,
હવે ન રદીફ-કાફિયા-મક્તા, ફક્ત યાદો...

તારા જ વિશે વિચારતું પ્રફુલ્લિત મારું મન,
હવે શૂન્યાવકાશ-ખાલીપો-એકલતા, ફક્ત યાદો...

                                          - ચેતન સોલંકી 'ગુમનામ'